ગુર્જરી ગિરા સોહાય સોહામણી
(શાર્દૂલવિક્રીડિત છંદ)
ભાષા ગુર્જરી આર્યાવર્ત અખિલે ફેલાય ફાલી ઘણી
સર્વે દેશ વિદેશ ગુર્જરી ગિરા સોહાય સોહામણી
વાણી સંસ્કૃત મૃતપ્રાય થઈ છે આ થાય શિરોમણી
અર્પો તો વિભુ એ જ અર્પણ કરો, એ આશ પ્રેમી તણી
સાંગોપાંગ સુરંગ વ્યંગ અતિશે ધારો ગિરા ગુર્જરી
પાદેપાદ રસાળ ભૂષણ વતી થાઓ સખી ઉપરી
જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી
થાઓ શ્રેષ્ઠ સહુ સખી જન થકી એ આશ પૂરો હરિ
જેવો આ ગુજરાત દેશ સહુમાં શ્રેષ્ઠત્વ પામી રહ્યો
તે મધ્યે અતિ શ્રેષ્ઠ ચારૂત્તર છે બ્રહ્મે ન જાયે કહ્યો
એવા દેશની જે ગિરા ગુણવતી નામે મહા ગુર્જરી
વાધો તે સુરસે કસે ગુણગણે, જો પ્રિય વાંછો હરિ
(કાવ્ય સંગ્રહ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૨૪, પૃષ્ઠ ૯-૧૦)
-પ્રેમાનંદ |