[પાછળ]
અમે એનાં એ ગામડાં

કેરળ-કાશ્મીર ફરો, ઓખા-આસામ ફરો
આખોય  દેશ  અમે  એનાં એ  ગામડાં!

ઉનાળે  આભ  નીચે,   શિયાળે તાપણાં,
ચોમાસે   પાણીનાં   ઠેર  ઠેર   ખામણાં;
થોડાં  લજામણાં   ને  ઝાઝેરા   દામણાં:
અંતરે  ને ખેતરે તો   હજીએ સોહામણાં.

ઝાઝેરે   ઘેર  હજી   માટીનાં    ઠામણાં.
ઝાઝેરે  ખેત  હજી   ઘેંશનાં  શિરામણાં;
છાપરે છે ઘાસ, અને ભીંતજડ્યાં કામઠાં:
હૂંફ  ને  હેત  થકી   હજીએ  હુલામણાં.

પુરનાં પવન અહીં વાય છે ક્યંહી ક્યહીં,
થોડો એક ફેર કરી જાય છે  અહીં-તહીં;
શહેરની સડક રોજ વાત નવી જાય કહી:
‘ચડશે હવે જ ખરા જંગે  સત આપણાં’.

આવ્યા આવ્યા  ને ગયા ચાલી વંટોળિયા,
ઊંચેરાં ઝાડ  એણે  મૂળ  થકી  મોડિયાં;
એણે અમ કેશ જાણે કાંસકીથી હોળિયા!
અમે  વિરાટ,  પેલાં  વામન  શાં વામણાં.

વેશ ફરે - ભીતર તો એ એનો એ ભારત,
એનાં  એ  દિલ,  અને  એની  એ આરત;
અમારી  એ જ  હજી  અસલી   ઇમારત:
પોષીએ  પુરાણ  પુર  બાળક-શાં ધાવણાં.

(‘મિલાપ’ ઓક્ટોબર, ૧૯૫૭)

-ઉશનસ્

[પાછળ]     [ટોચ]