[પાછળ]
વેરાણાં છે હાઈકુ કેસરવર્ણાં

(અહીં અપાયેલી પ્રત્યેક પંક્તિ
અલગ અલગ સ્વતંત્ર હાઈકુ છે.)

છાબડીમાંનાં  પારિજાત,  વીણેલાં  પરોઢ  ગીતો
પારિજાત  ના  - વેરાણાં  છે  હાઈકુ  કેસરવર્ણાં
આસોપાલવ, ના અહીં, દ્વારે ટાંગ્યાં સ્મિત-તોરણ
અંગઅંગ આ પલળ્યાં,  ધોધમાર સ્મૃતિ-વરસાદે

ઉપવનમાં  પવન  ગાતો  ગીત -   વૃક્ષો ડોલતાં
સમીસાંજના  તૃણે લેટે,   આળોટે -  કિરણધણ
ટહુકો રેલ્યો કોયલે,  ગુંજી ઊઠયું આખ્ખું કાનન
સૂરજ  ફરે   –   ફરતા  મનસૂબા  સૂર્યમુખીના

અંગ  સંકોરી  પોઢયું  છે  પતંગિયું   પુષ્પપલંગે
જીરવવાને   પતંગિયાનો   ભાર -  નમતું  ઘાસ
વર્ષા  સંગીત  વાદળોનાં  મૃદંગ  વીજળી  નૃત્ય
કૂણાં તૃણની ઓઢણી  અંગે ઓઢી  ધરા શોભતી

ઝાકળબિંદુ    ગુલાબપાને,   કરે     નકશીકામ
ગમે  તેટલી  ઊડતી  ધૂળ,  કદી  ન  મેલાં  ફૂલ
અંગ  સંકોરી  તળાવ પાળે  સૂતી   થાકી બપોર
અમાસ  રાતે   ચંદ્ર શોધવા,  મળી  તારાની ઠઠ

ઘેરી   રાતનો   અંધકાર  કપાયો   સૂર્ય  કાતરે
ભરબપોરે   કિરણ  ચિચિયારી   અસહ્ય  તાપે
આગને  ઠારે  જળ,  કોણ ઠારતું જળની આગ?
તડકે લૂછી લીધાં,   ફર્શ  પરનાં   પગલાં ભીનાં
 
કલરવતું  ઝરણું ,  ગીચ  વૃક્ષો,  ખાલી  બાંકડો
ઊડયું એક જ પંખી ને કંપી ઊઠયું આખુંય વૃક્ષ
કડડભૂસ તૂટયા   પ્રીત-કાંગરા -  બચી ગૈ ક્ષણો
ઊપડે  ટ્રેન  -  ફરફરી  ના શકે  ભીનો  રૂમાલ

અમેરિકામાં બા નથી, ક્યાંથી હોય તુલસીક્યારો?
કૂંડે  સુકાતી  તુલસી,  શોધ્યા  કરે બાનાં પગલાં
મારી  કવિતા -   બાવળવને  મ્હોર્યું    ચંદનવૃક્ષ
ઈચ્છામૃત્યુ  જો  મળે,  મળે કવિતા  બાહુપાશમાં
- પન્ના નાયક
[પાછળ]     [ટોચ]