સત્યમેવ જયતે
(ચોપાઈ)
સત્યે સ્વર્ગ અને સત્યે મોક્ષ સત્ય થકી જાયે સૌ દોષ
સત્ય આધારે રહે આકાશ સત્ય તે જ પૂર્ણ પ્રકાશ
સત્યે જળમાં પૃથ્વી રહે સત્ય તરે તે સૌ કોઈ કહે
સત્ય ત્યાં ઈશ્વર કેરો વાસ સત્યે સૂરજ રહે આકાશ
સત્ય કોટિ બ્રહ્માંડ જ જેહ સત્ય આધારે વરસે મેહ
સત્યનું બાંધ્યું પાકે અન્ન સત્ય વસે જ્યાં નહિ અભિમાન
સૃષ્ટિ પહેલાં સર્જાયું સત્ય મોટા પુરુષોની એ છે મત્ય
સત્ય હોનાર હોય તે હોય સત્ય વિના બીજું નહિ કોય
અસત્ય થકી ઈશ્વર છે દૂર સત્ય તે નારાયણનું નૂર
સત્ય તે ઈશ્વર કેરો અંશ સત્યે સત્ય પૂરણ પ્રશંસ
સત્યે ધરા ધરે નાગેન્દ્ર સત્યે તપે દિવાકર ચંદ્ર
અસત્ય ત્યાં અદકેરું દુઃખ સત્ય વાતમાં સઘળું સુખ
જિત્યો જગ જેનું સત્ય રહ્યું સત્ય મૂક્યું તેનું સર્વસ્વ ગયું
સ્વર્ગે જવાની વાટ જ જેહ સત્ય નામે ઓળખાયે તેહ
સત્ય ઉપર જેની હોડ તે આગળ ઈશ્વર કરજોડ
સત્ય સાથે જેનો વહેવાર તે જાણવો ઇશ્વર અવતાર
-શામળ ભટ્ટ
|