[પાછળ]
ધીરે ધીરે સુધારાનો સાર

સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર
સજ્જન સ્નેહ સહિત સંભળાવજો ધીરે ધીરે સુધારાનો સાર

છોટી  અક્કલવાળા  આગળ  મુખે  ન વદિયે  મોટી વાત
પાશેર   કેરા   પાત્રમાં    કેમ    સમાશે    શેર     સાત
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

લાખો  કીડી  પર  લાડવો   આખો   મેલિયે તો મરી જાય
ભુકો   કરી   ભભરાવીએ   તો   તે   ખાસી  રીતે  ખાય
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

માંકડા   લઈને   માનવી   બેઠો    નાવમાં   દઈને    નૂર
ભડકાવે  તો  તે   અભાગિયાં  પડે   કુદી   પાણીને   પૂર
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

બાળક   આગળ   બોલિયે   ત્યારે   બનિયે   બાળકરૂપ
ભૂ,  બાઉ,  તાતા,  ભાખિયે    ભલે  હોય  ભણેલા  ભૂપ
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

જંગલ  કેરા  જાનવરો  આપે  પાળવા  કરીએ  જો આશ
એવું   આદરિયે  કે આપણી   પાસે  વસે  કરી  વિશ્વાસ
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

ધીરે ધીરે  નિત્ય ધીરવી  એને અક્કલ  શિખવીએ  અનેક
હળીમળી   હેત   વધારિયે   પણ  છૂટા  ન  પડિએ  છેક
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

છણછણતે  તેલ  છાંટિયે,   લઈને  નિર્મળ  ઠંડુ  જો  નીર
સળગી  ઊઠે  એ તો સામટું  વળી   સામાનું  બાળે શરીર
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

સજ્જન   મન   બુદ્ધ   છે    પણ    વિશ્વવિરુદ્ધ    વિચાર
બહુજનમાં નહિ  બોલીએ  જેથી  ઊપજે  ઉપાધિ અપાર
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર

સંસારીજનને   સુધારશો  રૂડી  રાખીને  એવી   જો  રીત
દલપતરામના    દેવની    તમે     પામશો   પૂરી    પ્રીત
સજ્જન   સંભળાવજો   રે   ધીરે   ધીરે   સુધારાનો  સાર
-દલપતરામ

[પાછળ]     [ટોચ]