[પાછળ]
ખરીદો, ખરીદો, અમોલા કવન વેચવા છે

હૃદય રકતથી જેનું સીંચન કર્યું છે એ જીવન ચમનનાં સુમન વેચવા છે
ખરીદો, ખરીદો, ઓ દુનિયાના લોકો! અમોલા અમોલા કવન વેચવા છે

ગરીબાઈની લાજ રાખી છે જેણે એ ધીરજના છૂપાં રતન વેચવા છે
કફનની રહે જોગવાઈ એ માટે અમારે અમારાં  જીવન વેચવા છે

ખરીદી શકે છે કોઈ પણ જગતમાં વિનિમયમાં આપી શકે જો પ્રભુને
જે શ્રદ્ધાની મોંઘેરી મૂડી સમાં છે એ સઘળા અશંકિત નમન વેચવા છે

નથી જોઈતી અલ્પતા દેવગણની, મળી જાયે શંકરનું ગૌરવ અમોને
એ ખાતર જીવનના બધા ઝેર સાટે આ બાકીનાં સઘળાં રતન વેચવા છે

કદરદાં ને દિલદાર કોઈ તો મળશે નથી સાવ કૈં લાગણીશૂન્ય દુનિયા
ફક્ત એક સંતોષનું સ્મિત રાખી  કરુણાના સઘળાં રુદન વેચવા છે
-‘શૂન્ય’ પાલનપુરી
ક્લીક કરો અને સાંભળો
આશિત દેસાઈની હૃદયસ્પર્શી રજૂઆતઃ

[પાછળ]     [ટોચ]