વ્હાલાંઓને ઉપદેશ
સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં
દીનપણું છે પરમ દયાનું પાત્ર જો
મોટો એ અધિકાર તમારો, માનવી
અધિકારી છે જેનાં માનવમાત્ર જો
સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં
એક પિતા પરમેશ્વર જાણો આપણો
નિકટ સગાં સમજો ભાઈબહેન જો
નીકો નાની મોટી જે જીવો તણી
વહેતું તેમાં એક અખંડિત વહેણ જો
સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં
હસનારાની સાથે હસવાનું ઘટે
રડનારાની સાથે રડવું તેમ જો
એક બીજાનાં આંસડાંઓ લૂછતાં
ઊંચે ચડશો સ્ત્રી પુરૂષો સૌ એમ જો
સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં
ભૂતદયા છે ધર્મ બધાંના મૂળમાં
સઘળાંયે સંતોનો એ ઉપદેશ જો
દિવ્ય દયાસાગર યાચંતા આપજો
દીન જનોને અમને એનો લેશ જો
સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં
-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ |