[પાછળ]
આત્મદીપો ભવ
તું તારા દિલનો દીવો થાને !
ઓ રે !  ઓ રે ઓ ભાયા !

રખે કદી તું  ઊછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઊછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા.
ઓ રે !  ઓ રે ઓ ભાયા !

કોડિયું તારું   કાચી માટીનું,   તેલ દિવેટ છુપાયાં
નાની શી સળી અડી ના અડી, પ્રગટશે રંગમાયા.
ઓ રે !  ઓ રે ઓ ભાયા !

આભમાં સુરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા.
ઓ રે !  ઓ રે ઓ ભાયા !
-ભોગીલાલ ચુનીલાલ ગાંધી
[પાછળ]     [ટોચ]