[પાછળ]
એવા વીરલા કોઈ
વેરઝેર   વિસારે   પાડી   ડંખ   દિલના   ધોઈ
ખારે  સમંદર  વહેતા  મૂકે  એવા  વીરલા કોઈ

ચંદ્ર ઉગે  હસતો પૂરવમાં  આથમતો  રવિ જોઈ
તોય   ચંદ્રને  કાંતિ  આપે   એવા  સૂરજ  કોઈ

વ્યોમ વિશે વાદળ ત્રાડંતા અબ્ધિ ઉછળતો જોઈ
ત્ર્યુટ્યા મેઘને  મારગ દેવા  શમતા  સાગર કોઈ

આપસઆપસના  ઝગડામાં  માટી  મરાયા હોઈ
અવસર  આવ્યે  એક ખૂમચે  ખાઈ લેનારા કોઈ

વાદ  વિવાદ  વિરોધો   વાંધા  વેર  ઝેર  જૂદાઈ
ઘસી મૂકી દીવાસળી દઈએ, ભડકા રહિએ જોઈ
-દેવજી રામજી મોઢા
[પાછળ]     [ટોચ]