
નોઆખલીનો યાત્રી
નોઆખલીની નમણી ધરતી સૌથી બની અનોખી
નિજ બાંધવના રક્તબિંદુએ રજ રજ રંગી દીધી
માતૃભૂમિની પુણ્યભૂમિ પર માનવબાળ જ્યાં રમતાં
હાય આજ ત્યાં વાઘ-દીપડાં-ગીધડાં ભોજન કરતાં
ઔષધ લઈ હકીમ આવ્યો હરવા તમામ રોગો
ઓ સ્વર્ગદેવતા એક વાર આ માનવતાની જય બોલો
પગપાળો યાત્રાળુ ચાલ્યો, પંથે દીવો ધરજો
પતિતપાવન પુણ્યપુરુષને ઉરના આશિષ દેજો
અહિંસાની શક્તિની આજે કરવી રહી કસોટી
આતમ કેરી અગ્નિપરીક્ષા રહી તપસ્યા મોટી
ધૂણી ધખાવી હિન્દભૂમિમાં બેઠો અદ્ભુત ડોસો
ઓ સ્વર્ગદેવતા એક વાર આ માનવતાની જય બોલો
ઝેર તણા કાંટાઓ તોડી કરુણાના જળ સિંચે
એની આગળ જાલિમોના ઝૂકતાં મસ્તક નીચે
તૂટી ગયેલા તાર વીણાના ફરી સાંધવા આવ્યો
માનવતાના મહાપ્રેમના ગીત ગજવવા આવ્યો
મડદાને સજીવન કરવા લાવ્યો પ્રેમકટોરો
ઓ સ્વર્ગદેવતા એક વાર આ માનવતાની જય બોલો
(૧૯૪૭)
-શાંતિલાલ ભાણજી શાહ
|