[પાછળ]
અમર આશા
કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
ખફા ખંજર સનમનામાં  રહમ ઊંડી લપાઈ છે

ઘડી ના વસ્લની આવી સનમ પણ છેતરી ચાલી
હજારો  રાત  વાતોમાં, ગુમાવી  એ  કમાઈ  છે

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફર્હાદ
અગમ ગમની  ખરાબીમાં, મજેદારી  લુંટાઈ છે

ફના કરવું  ફના થાવું,  ફનામાં  શહ્ સમાઈ છે
મરીને  જીવવાનો  મંત્ર,  દિલબરની  દુહાઈ  છે

ઝહરનું નામ લે શોધી,  તુરંત પી લે ખુશીથી તું
સનમના  હાથની છેલ્લી,  હકીકતની રફાઈ  છે

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે
તડપતે  તૂટતાં  અંદર   ખડી  માશૂક  સાંઈ  છે

હજારો ઓલિયા  મુરશિદ, ગયા  માશૂકમાં ડૂલી
ન ડૂલ્યાં  તે મુઆ  એવી કલામો  સખ્ત ગાઈ છે
-મણિલાલ નભુભાઈ દ્વિવેદી
[પાછળ]     [ટોચ]