નરી સરલતા નરી સરલતા કોણ પૂજશે? નથી તેજ, નથી તરંગ: શાંત, વિમલ, વિરલ, રમ્ય: તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી! અલૌકિક નીલ પટ સંધ્યા લઈને પ્રશાંત નિદ્રિત બાલ પ્રભાત અંતરિક્ષના રંગ ધરી સૂતું તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી! એ સુંદરતા કોણ નિરખશે ? કોણ સમઝશે? કોણ સુહવશે? કોણ નીર ચંચુ ત્યાં ભરશે? -અનિમેષ, અકલ ગહન સૌંદર્ય: તુજ નયનમાં ઊંડું શોભતા આત્મન્ સમું મુજ લાડિલી! મુજ કુંજ પેલી જો ઝુલે પ્રભુનાં દીધાં કંઈ સુખ ફુલે મારાં તારાં કંઈ કંઈ કુસુમ મધુરાં ખીલે: સખિ! તુજ હૃદયજલ ત્યાં અમલ સીંચી શોભજે મુજ લાડિલી! -મહાકવિ નાનાલાલ
|