[પાછળ]
નર્મદા શું ગાવું શોભા

નર્મદા શું ગાવું શોભા સાંજની હાં રે પવન-પાણી વાદળરંગના સુસાજની નર્મદા શું ગાવું શોભા સાંજની હાં રે પાણી જોરમાં ઉછાળા નો'તુ મારતું હા રે પહોળાં પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તું નર્મદા શું ગાવું શોભા સાંજની હાં રે વીળી ખળખળી ધીમે ચડીને આવતી હાં રે તે તો હોડીમાંથી જોઇ સુણી ભાવથી નર્મદા શું ગાવું શોભા સાંજની હાંરે ડહોળાયેલ નીલ રંગ તે ભૂરો હતો હાંરે ઝાંખો શ્વેત આસમાન તણો દીસતો નર્મદા શું ગાવું શોભા સાંજની હાં રે પાકા રંગનાં ભૂરાં તે સામે ડુંગરા હાં રે મળી રંગના ટોચે તો ભૂરાં વાદળાં નર્મદા શું ગાવું શોભા સાંજની હારે કાંઠે ઘાસ લીલાં ઝાડ બહુ શોભતાં હાંરે ચારો ગાય ભેંસ ઢોર ખાતાં હતાં નર્મદા શું ગાવું શોભા સાંજની હાંરે આવે મંદ મંદ વાયુ ખુશ લાગતો હાંરે હોડી ચાલતી તેને ઘણો સવા હતો નર્મદા શું ગાવું શોભા સાંજની હાંરે ગુલાબી ઘેરો તે રંગ આસમાનનો હાંરે ગુલાબી ફુલોનો પાણીના મેદાનનો નર્મદા શું ગાવું શોભા સાંજની હાંરે સુદી ત્રીજનો ઊગેલ ચંદ્ર તે સમે હાંરે લહેરિયાંની રમ્ય લહેરમાંહી મન રમે નર્મદા શું ગાવું શોભા સાંજની હા રે પવન સામટો પડી ગયો પછી ખરે હા રે લીલા બ્રહ્મની જોઇ શી આંખો ઠરે! નર્મદા શું ગાવું શોભા સાંજની

-નર્મદ

ક્લીક કરો અને સાંભળો આ કાવ્ય નિરુપમા શેઠ અને સાથીદારોના સ્વરમાં સંગીતઃ અજિત શેઠ
[પાછળ]     [ટોચ]