[પાછળ]
કોની કોની છે ગુજરાત?

કોની કોની છે ગુજરાત?
ઉગ્રસેન રામ કૃષ્ણ સાત્યકી યાદવ જ્યાં સહુ વિરાજતા
જ્યાં બ્રાહ્મણ ને રજપુત ઝાઝા ઇશને અર્થે ઝૂઝ્યા હતા

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

બુદ્ધ જૈનના ઘુમ્યા વાદ જ્યાં, મ્લેચ્છશું શિલાદિત્ય લડ્યો
ભૂવડશું વળી જયશિખરી જ્યાં ઝુદ્ધ પરાક્રમ દાખી પડ્યો

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

વળી રાજ્યનો રંગધ્વજ જ્યાં છસેંક વર્ષ લગી ઊડ્યો
સરસ્વતી  ને   સેનાનીએ   રંગ  દાખવ્યો   છે  રુડો

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

કર્યું ધામ જ્યાં મુસલમાનોએ નીજ રાજ્યનું વળી વડું
મધ્યે  આવ્યાને  બહાને  તે  માની  લે  છે  માન વડું

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

જ્યાં કીધો કોપ મહાકાળીએ રાજ્ય થયું ખંડેર ભૂંડું
વળી રાજ્ય  જ્યાં દખણી કેરું  ઠાઠે દીપે કંઈક રુડું

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

છે   અંગ્રેજી  રાજ્યતણું જે ધામ  મુખ્ય પશ્ચિમ ભણી
જ્યાં ગુજરાત તણા જન વસિયા કોરે વેળા થોડીઘણી

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

શું બ્રાહ્મણ ને વાણિયા કેરી  શ્રાવક ને ભાટિયા કેરી?
ક્ષત્રી  રજપુત  કણબી  કેરી  ભીલ ને  કોળી  કેરી?

બીજા લોકતણી શું કેવી?
ના ના  નારે  નથી  તેની
ત્યારે કોની છે ગુજરાત?

પૂર્વજ જેના જે વર્ણો આજે જન્મ થકી ગુજરાતી વદ્યા
કોઈ રીતની  તો પણ, ને  વળી  દેશધર્મને રાખી રહ્યા

તેની તેની  છે ગુજરાત
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત!

વળી પરદેશી બીજા જેને આ ભૂમિએ પાળી મોટા કર્યાં
પરધર્મી પણ  હિત  ઈચ્છનારા માતતણું  તે ભાઈ ઠર્યા

તેની તેની  છે ગુજરાત
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત!

નર્મદ  કહે ગુજરાતી  ભાઈઓ  માતને  અર્થે સંપ ધરે
ખંતે  બંધન  તોડી રણે સૌ ઝૂઝી  જયસુખ  જયે ભરે

પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત
તે તે સૌની છે ગુજરાત!
તે તે સૌની છે ગુજરાત.!

-નર્મદ

[પાછળ]     [ટોચ]