અમે તો ગુર્જર રાષ્ટ્રનાં બાળ
ગુર્જર રાષ્ટ્રના બાળ, અમે તો ગુર્જર રાષ્ટ્રનાં બાળ
શાંત સુશીલ શરમાળ, અમે તો ગુર્જર રાષ્ટ્રનાં બાળ
ઈન્દ્રનગરના મણિમંદિરમાં વસનારા સુરબાળ
નંદનવનની નવ કુંજોમાં રમતાં રમત રસાળ
પુણ્યભૂમિ ભારતના સુંદર ઉપવન સમ શ્રીકાર
દેશ અમારો, અમે સુપુત્રો, તેના દૃઢ રખવાળ
પુષ્પ ભારથી લચ્યાં બગીચા, ખીલ્યાં ક્ષેત્ર વિશાળ
અમ માટે સ્વાદુ ફળ પાકે, ભર્યાં રહે ભંડાર
સત્યવ્રતી, દૃઢ નિશ્ચયવાળાં, એક જ વચની, ઉદાર
સ્નેહ, શૌર્ય ને સાહસ સેવી, ભૂમંડળ ભમનાર
વણજ, વેપાર કર્યાંમાં કુશળ, કરતાં પર ઉપકાર
સ્વાગત કરવામાં શૂરા સૌ, સેવા સુખ લેનાર
સંપી જંપી સદાય રહીએ, નહિ તોફાન લગાર
દુશ્મનને પણ દુઃખ ન દઈએ, સ્વધર્મ આચરનાર
-જગજીવન દયાળજી મોદી |