સભાપાત્રતાની ગઝલ
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં
ને પછી છાતીમાં દુઃખ્યું હોય તે બેસે અહીં
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને છતાં
કોઈનાં ચરણમાં ઝૂક્યું હોય તે બેસે અહીં
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે
આ સભામાંથી જે ઊઠ્યું હોય તે બેસે અહીં
(કાવ્યપાઠ લયસ્તરો.કોમ પરથી સાભાર)
-સ્નેહી પરમાર |