દેવહુમા તણી કથા
દૂર દૂર બધે દોડી મૃગશી દૃગ આ વળે,
ધરાના ઉરમાં જ્યાં ત્યાં ધીકતી સિકતા બળે.
ન મારવાડી મરુભૂમિ આ કે
ન આરબસ્તાન તણાં રણો આ;
પુરાણને પુણ્ય ઈજિપ્ત દેશે
અનન્ત રેતી સહરા તણી એ.
જૂઠાં જૂઠાં રણો માંહિ મૃગનાં જળ તો છળે,
જાદૂઈ દેશ આ જૂદો અદ્ભુતો અંહિયાં મળે!
કરાલ આવા રણમાં પણે શા
દેખાય છે એ ચડતા ધુમાડા?
ને આભથી એ ઊતરી પડે કો?
શું સત્ય આ કે કંઈ વ્યર્થ ઓળો?
જગાવી આગને જાતે, ચાંચથી ખડકી ચિતા
વીંઝીને પાંખને પંખે ક્ષોભ શા ઝંપલાવતાં?
કો વૃદ્ધ પંખી પડતું મૂકે ત્યાં
ને ભસ્મ થાતું ભડકે ઘડીમાં;
એ રાખને જો! ક્ષણમાં વિખેરી,
ઊઠે અનેરું બની બાલપંખી!
ઘડ્યું શું સાવ સોનાનું આગમાં ઉજળું થતું!
પસારી પાંખ સોનેરી પંખી આભે ઊડી જતું!
ન દેવ કે દાનવ દેહધારી,
ન કોઈ જાદુગર વેશધારી;
ના નેત્ર કેરી ભ્રમણા દીસે આ,
એ દેવહુમા, -કવિ કલ્પના ના.
થાકશે ભટકી જ્યારે, પુણ્ય જ્યોતિ પ્રજાળશે;
અનન્ત ઊડવા કાજે કાયને કો ન બાળશે?
એ જ્યોત શાની– પૂછશો મને ના,
એ પંખી ક્યાં છે– પૂછશો મને ના;
ને આત્મઘાતી કહી નિંદશો ના,
છે રાહ એ જીવનના જ જુદા!
અસંખ્ય ઊડતાં જ્યાં ત્યાં પતંગો દીપમાં પડે;
કરોડો ગરુડોમાં યે દેવહુમા નહિં જડે.
અનન્ત આરે નિજ પાંખ માંડી
વિશાળ વ્યોમે વિચરે સદા યે;
દેખાય ના દેવહુમા હવે તો,
છે દોષ એ માનવદ્રષ્ટિ કેરા.
હશે જો આંખ જોવાને એનું એ જગમાં વસે,
હજારો વર્ષ પૂર્વે જે હતું તે યે હજુ હશે.
ઈજિપ્ત કેરા ઈતિહાસ જેમ,
પુરાણ પાનાં પલટાય તેમ;
અનન્ત ત્યાંયે સહરા સહુમાં,
ને દેહ હોમે કંઈ દેવહુમા.
આત્મ સ્નેહી તણી કે એ દેહ-દેહી તણી પ્રથા;
આથમ્યા ને ઊગ્યા જેવી દેવહુમા તણી કથા.
-ગજેન્દ્ર બુચ
|