કાળઝાળ સૂરજના તાપ
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં
માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય કીડીના જેટલાં
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?
મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં
પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયા
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયા રોયાં
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ અમે મરવાની વાત પર મ્હોયાં
ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં
(ગુજરાતી સાહિત્યનો અમર વારસો - અમર ગીતો, પૃષ્ઠ ૪૫)
-ચંદ્રકાન્ત દત્તાણી
|