નિર્જન વનવગડે અલી વાદળી!
નિર્જન વનવગડે અલી વાદળી!
જળ શાં ઢોળવાં અમથાં?
રણે રગદોળવાં અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વિતક શાં બોલવાં અમથાં?
હૃદય શીદ ખોલવાં અમથાં?
ચાતક જળવિણ ટળવડે, મેઘ ચડ્યો ઘનઘોર;
ગર્જન કિન્તુ જૂઠડાં; જગ એવું ય નઠોર:
છીછરાં સરવરને શીદ મલિન જળે અંઘોળવાં અમથાં?
જવાહીર ઝબોળવાં અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વિતક શાં બોલવાં અમથાં?
હૃદય શીદ ખોલવાં અમથાં?
સુગંધ મિઠ્ઠા લિમ્બડા, રસમાં કડવા ઝેર;
મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનમેળ?
ગરજુ જગવડે વણ પાત્ર પ્રણય શો ઢોળવો અમથો?
ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિમાં રસિક હૃદય શાં ખોલવાં અમથાં?
જીવન શીદ રોળવાં અમથાં?
મોહભીના સંસારમાં, જૂઠાં મૃગજળ ઘાટ;
મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટ:
વિજન કો વાડીને એકાન્ત ફૂલો શાં ફોરવાં અમથાં?
દરદ દિલ વહોરવાં અમથાં?
-કેશવલાલ હરગોવિંદદાસ શેઠ
|