ઓ મારી ગુજરાત!
ઓ મારી ગુજરાત! ઓ વ્હાલી ગુજરાત!
ઓ મારી ગુજરાત!
મા તારું ઉપવન અણમૂલ
અમે મા એ ઉપવનના ફૂલ
સમય આવતાં વજ્ર બનીશું, સાચવશું ના જાત!
ઓ મારી ગુજરાત!
આશ્રય આવે બાળ પરાયાં
તારા ના કદી થાન સૂકાયાં
ઉદારદિલ જે દેવા બેઠી તેને નિજ પર શી પંચાત
ઓ મારી ગુજરાત!
તારો અંક ખુંદી તે આગળ
આજ ખુંદે ધરતીની ભાગળ
તે ક્યમ ભૂલે તારી નદીનાં નીર તણી તાકાત
ઓ મારી ગુજરાત!
જીવવું તારું કામ કરીને
મરવું તારું નામ સ્મરીને
તારે અંકે ઊગો મા મારા નવજીવનનું પહેલું પ્રભાત
ઓ મારી ગુજરાત!
-જયંત પાઠક |