પતંગિયાની સ્કૂલ
પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પહેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.
બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંન્ચ નથી, છે ફૂલ;
લીલીછમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ,
પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પહેરાવ.
પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ, દડ, દડ, દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ,
પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પહેરાવ.
લેશનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ,
પતંગિયું કહે મમ્મી, મમ્મી, ઝટ પાંખો પહેરાવ.
-કૃષ્ણ દવે
|