[પાછળ]
કેવી સુંદર સંધ્યા ખીલી! ઈશ્વરનો ઝળહળતો દીવો, અખૂટ તેજ ફુવારા જેવો, તપી તપીને નમતો સૂરજ, પશ્ચિમમાં આથમતો કેવો, ડૂબ્યો સાગરના જળ ઝીલી! કેવી સુંદર સંધ્યા ખીલી! અંગ સજી સાડી નવરંગી, વાદળીઓ હળતી ને મળતી, સિંદૂર સરખી સુંદર એની લાલ કિનારી શી ઝળહળતી! એ તો રમતી રાસ રસીલી; કેવી સુંદર સંધ્યા ખીલી! સોનેરી કુંકુમથી લીંપ્યાં, પશ્ચિમ દિશનાં આંગણ ઘેરાં, ઊગતાં તારલિયાનાં મોતી નાની શી મૂઠડીએ વેર્યાં; રમતી ત્યાં ચંદા સાહેલી, કેવી સુંદર સંધ્યા ખીલી! પગની ધૂળે અંગ રજોટ્યાં, ધેનુનાં ધણ આવે ધાયાં, ગોવાળે લલકારી એને સોનેરી સરિતા જળ પાયાં; ભાંભરતી વાછરડાં-ઘેલી, કેવી સુંદર સંધ્યા ખીલી! પંખી માળે કિલકિલ કૂજે, મંદિરની ઝાલરીઓ ઝણકે; ચંડૂલો આકાશે ઊંચે, ગાતાં ગીત મધુરી હલકે; પર્વત ઉપર રાતી-પીળી, કેવી સુંદર સંધ્યા ખીલી! -ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
[પાછળ]     [ટોચ]