[પાછળ] 
સાંજ ઢળે સરિતાના તટમાં

સાંજ ઢળે સરિતાના તટમાં, ધીમા પવન ઝકોળે;
બેઠાં બેઠાં  ઝાડ પરે કોઈ,  પંખીડાં  રસ  ઘોળે.

જાતાં જાતાં  એક નજર,  મીઠી  સૂરજની થાતી;
પાલવને  સંકોરી   સરિતા,   ઘૂંઘટમાં  શરમાતી.

ચાંચ ભૂલી ચકવાની  ચકવી  ડાળે કરિયું ચુંબન;
પાન ખર્યું જળમાં ને  જળને ગાલે પડિયા ખંજન.

વેલ્યુંના   ચંદરવા   ઓઢી   બાંહે  બાંહ  પરોવે;
ક્યાં ગ્યાં રૂપતણાં પ્રતિબિંબો  ઝાડ ઝકુમ્બી જોવે.

એક ઘૂંટ  ભરી  એ  રંગના હોઠ  જરા મલકાતા;
શ્યામ ગાલ સરિતાના ત્યાં તો રતુંબડા થઈ જાતા.

સૂતી  માના અંગ પર બાળક  ઊઠી  ને  ઘૂઘવતું;
એમ  કિનારા પર  સરિતાને ઝરણે  ઝરણું દડતું.

દિવસનાં બીધેલ પશુડાં  ભય વિણ  પાણી પીતાં;
ટપકંતાં  હોઠોથી  મોતી   મોં  કરી  ઊંચું  જોતાં.

લળી  લળીને   તટના  વૃક્ષો   માથેથી   ઓવારે;
સાસરીએ જાતી  સરિતાની  ફૂલડાં  માંગ સવારે.

છાનું છપનું જો તું લજ્જા!  ચન્દ્ર ઘડીક તું થોભે!
રૂપ  ભરીને  પી  લ્યો  મૂંગા મૂગાં  ખોબે  ધોબે.
-દાદુદાન પ્રતાપદાન ગઢવી - કવિ ‘દાદ’
 [પાછળ]     [ટોચ]