[પાછળ]
એવાં સન્મિત્ર સૌને મળો સુખદુઃખમાં સાથે રહે નિજ હર્ષશોક શમાવતા અપમાન કરીએ તોય પણ મનમાં ન લેશે લાવતા હિત હોય તે હૈયે ધરી પ્રીતે કરે પળવારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં કારણ વિના સંબંધ બાંધી પ્રેમ પૂર્ણ વધારતા આ લોક ને પરલોકની સુખરૂપ વાત વિચારતા ઉપદેશ આપે સદ્ગુણનો નિત્ય શુભ આકારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં પ્રિય પિંડના જે પાપ તે નરમાશમાં જ નિવારતા મન જાય જો મર્યાદ લોપી વિનયથી તે વારતા કોટિ કરે ઉપકાર પણ ભારે ન ભારે ભારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં જે દુર્ગુણો કે દ્વેષ દિનરાત મિત્રમાં દેખાય છે તેને તજાવી યુક્તિથી ગુણમાં ગણાવી ગાય છે ભ્રમ, ભેદ, આળસ, ઊંઘને ખોદી કઢાવે ખારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં વિદ્યા વિનયથી યુક્ત સદ્ગુણમાં સદા જે લીન છે પૂરા પરાક્રમવાન પણ પ્રેમમાં આધીન છે ભાવે ભણાવે ભેદ જે ઘાટે કરી ઘરબારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં તનમન તણાં જે તાપને ટાળે વળી ક્ષણ એકમાં હારી ગયા જો હોંશ તો ટોંકી રખાવે ટેકમાં પાસે રહે પોતે, વળી વશમાં બધા વ્યવહારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં સાચાં સહોદરરૂપ શુભ નારીસમાન થઈ રહે કડવાં કથોરાં વેણને સાકર સમાન કરી રહે પ્રિય હોય તે પ્રેમે કરી પલળી રહે જે પ્યારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં જેને નિહાળી નયનમાંથી હર્ષનાં અશ્રુ ખરે જેને મળીને હૃદય શાંત થઈ સદા સુખમાં ઠરે અધિકાર રૂડાં મેળવે સરકાર કે દરબારમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં શ્રીકૃષ્ણ અર્જુનને અને હનુમાન સીતાકાન્તને વસુદેવના સુત સાંપડ્યાં કેશવ સુદામા શાન્તને ઉપકાર કરવામાં રહે પાછળ નહિ પરમાર્થમાં એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં -કેશવલાલ હરિરામ ભટ્ટ
(૧૮૫૨-૧૮૯૬)
[પાછળ]     [ટોચ]