
સત્યનું કાવ્ય છો બાપુ
(અનુષ્ટુપ)
વીરના વીર્યથી ઝૂઝ્યા કર્યાં કેસરિયાં સદા
સ્થિતપ્રજ્ઞ તણી શાંતિ છતાં ના વિસર્યા કદા
ધરા શા ધીર ગંભીર વ્યોમ શા વિપુલાત્મ છો
ઊંડાણે ઉદધિ જેવા તેજ શા શુદ્ધ છો તમે
ઝૂઝો છો જેમની સામે તેમના હિતને ચહો
વિશ્વમાંગલ્યની ચિંતા સદાયે અંતરે વહો
નિજ ને પરના ભેદો તમારે અંતરે નથી
માનવ માત્ર બન્ધુ એ ભાવના છે ઉરે ગૂંથી
તમે સંહારથી ત્રાસ્યાં જગની એક આશ છો
અન્ધારે પન્થ ભૂલેલી પૃથ્વીના પ્રકાશ છો
સ્વપ્ન છો નિદ્રિતો કેરું બદ્ધો કેરું મુક્તિગાન છો
ઝૂઝંતા જાડ્યજૂથોશું સ્ત્રષ્ટાનું અભિમાન છો
સત્યનું કાવ્ય છો બાપુ! કાવ્યનું સત્ય છો તમે!
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે!
-કરસનદાસ માણેક
|