શૂરા બાવીશ હજાર!
(દિવ્ય)
‘વીરા! ચાલો ઝટ રણમાં,
કાઢો તાતી તલવાર!
હર હર હર નાદે ઘૂમતા
કરીએ અરિનો સંહાર!
રણધીરા હે રજપૂતો,
મુજ અંગ તણા શણગાર!
રે ચાલો હલદીઘાટે
શૂરા બાવીશ હજાર!
વીરા! શું શૌર્ય ગયું છે?
શું રજપૂત થશે ગુલામ?
મેવાડ પરાધીન બનશે?
શું જશે સિસોદિયા નામ?
નહિ, નહિ, નહિ, રણમાં ચાલો
ઝળકાવો તમ હથિયાર!
રે ઘૂમો રાણા સાથે
શૂરા બાવીશ હજાર!
વીરા! તમ આજે રણમાં
વ્હેશે અસ્ખલિત પ્રવાહ:
રજપૂત ગૌરવ હજી પણ છે;
તે જોશે અકબર શાહ!
રે આજ પ્રતાપ પ્રતાપે
ઘૂમી રહેશે રણ મોઝાર
ને સાથે ઝૂઝશે તેના
શૂરા બાવીશ હજાર!’
ગર્જન કરી એમ પ્રતાપે
ઝૂકાવ્યું રણે શરીર;
હોંકાર કરી ત્યાં ઉછળ્યા
રાઠોડ, સિસોદિયા વીર
ચંદાવત, સંગાવત ને
ઝાલા, ચૌહાણ, પરમાર;
રિપુને હણવા કૂદ્યા
શૂરા બાવીશ હજાર!
મોગલ યુવરાજ સલીમ ને
અંબરપતિ મહાવીર માન
લઈ સૈન્ય અસંખ્ય જ ઊભા
કંઈ સિંધુ તરંગ સમાન!
પણ મૃગ ટોળામાં કૂદે
વનરાજ કરી હોંકાર
ત્યાં કૂદ્યા તેમ પ્રતાપી
શૂરા બાવીશ હજાર!
ધડ ધડ ધડ થાય ધડાકા
ખૂબ તોપ તણા ચોપાસ
કડ કડ કડ તૂટી પડતું
નીચે આવે આકાશ!
તેને ન જરા ગણકારી
ધરી અંતર શૌર્ય અપાર
ત્યાં મૃત્યુમુખે હોમાતા
શૂરા બાવીશ હજાર!
આજે નથી પાછું ફરવું
સમરાંગણ છે અવસાન;
રિપુને હણવું કે મરવું
છે એજ અમારી લહાણ!
એવું કહી સહુ ઝૂકાવી
મોસલને મારે માર;
રે રેલ સમા ત્યાં રેલે
શૂરા બાવીશ હજાર!
રણવીર પ્રતાપ બધે ત્યાં
કરતો કૂદી નાદ પ્રચંડ;
ખરું આજ પ્રકાશિત કીધું
રણમાં નિજ શૌર્ય અખંડ
ભેદી અરિ હાર ધસ્યો તે
ખૂદ સલીમ હતો જે ઠાર;
હર હર હર કરતાં ગરજ્યાં
શૂરા બાવીશ હજાર!
આકાશ ધરા ત્યાં કંમ્પ્યાં
ડોલ્યાં ચૌદે બ્રહ્માંડ!
રણક્ષેત્રે આરંભાયો
શો ભીષણ હત્યાકાંડ!
ઢગના ઢગ વીરો પડતા
નહિ શબનો કાંઈ સુમાર
લડતા અગણિત મોગલ ને
શૂરા બાવીશ હજાર!
માર્યા રક્ષક ને મહાવત
રાણાએ રાખી રંગ
ને સલીમ તણા ગજ પર ત્યાં
નિજ અશ્વે મારી છલંગ!
પણ ગજ નિજ પતિને લઈને
ત્યાંથી નાઠો તે વાર;
રાણા સહ પાછળ દોડ્યા
શૂરા બાવીશ હજાર!
‘અલ્લા હો અકબર’ કરતાં
ત્યાં કૂદ્યા મોગલ સર્વ;
નથી ભીરુ બન્યા હજી કાંઈ
નહિ રણમાં ખોશે ગર્વ;
ત્યાં ફરી વળી ચોપાસે
કીધો પ્રભુનો ઉદ્ધાર
ને ઘેર્યા રાણા સાથે
શૂરા બાવીશ હજાર!
પણ વીર્ય અપૂર્વ જ કાંઈ
છે પ્રતાપ કેરું આજ!
એકલડો સોની વચ્ચે
તે ઘૂમી રહ્યો સિંહરાજ!
અર્જુન શું આજે તેનો
યશ પામ્યો છે વિસ્તાર!
હા, ધન્ય પ્રતાપ! અને તુજ
શૂરા બાવીશ હજાર!
એ યુદ્ધ થકી ત્રણ વેળા
રજપૂત યોદ્ધા દઈ પ્રાણ
ઉગારી લાવ્યા બળથી
નિજ રાણાને નિર્વાણ
પણ જોઈ વીરો નિજ પડતા
ફરી ભેદી ધસ્યો અરિહાર!
નહિ જાણ્યું હવે નથી સઘળા
શૂરા બાવીશ હજાર!
અતિ રોષ થકી બની ગાંડા
ઘેર્યો રાણાને ત્યાંય;
ઝબ ઝબ ઝબ ચપળા જેવી
ચમકી અસિઓ રણમાંય!
જાણે ન પ્રતાપ હવે કંઈ
મોગલથી બચે લગાર,
નથી રહ્યા હવે સહુ તેના
શૂરા બાવીશ હજાર!
એ સ્થિતિ રાણાની જોઈ
ઝાલાપતિ લઈ નિજ વીર
મૂકી છત્ર પ્રતાપનું માથે
રણમાં દોડ્યો રણધીર!
દિલ્લીશ્વર કેરું ઉલટ્યું
ત્યાં સૈન્ય અસંખ્ય જ ત્યારે
રે ટપ ટપ ધરણી ઢળતા
શૂરા બાવીશ હજાર!
પણ રિપુને હણતા પહોંચ્યા
વીર રજપૂત રાણા પાસ
છોડાવી મૃત્યુ મુખમાંથી
લાવ્યા રજપૂતની આશ!
પણ ઝાલાવીર પડ્યો ત્યાં
નિજ ધર્મ બજાવી સાર
ને રત્ન સહસ્ત્ર ગુમાવ્યા
શૂરા બાવીશ હજાર!
ધડ ધડ ધડ થાય ધડાકા
ખૂબ તોપ તણા ચોપાસ
કડ કડ કડ તૂટી પડતું
નીચે આવે આકાશ!
એ સૈન્ય અસંખ્ય વિશેથી
નીકળ્યા રજપૂત પછી બહાર
નહિ ફર્યા અરે કંઈ સઘળા
શૂરા બાવીશ હજાર!
રાણાએ તે દિન અંતે
છોડ્યું રણ હલદી ઘાટ
પણ જગતે જોયો તેની
શૂરી અસિનો ચળકાટ!
નથી ભારતજન કદી ભૂલ્યા
એ યુદ્ધ તણા ભણકાર
સહુ સ્મરે પ્રતાપ અને તે
શૂરા બાવીશ હજાર!
હા ધન્ય વીરા રજપૂતો!
છે ધન્ય જ તમ તલવાર!
શું કીર્તિ તમારી જગમાં
કદી કરમાશે પળવાર?
ઘરઘર અહીં હરનિશ ગાશે
તમ શૌર્ય ગીતો નરનાર!
ધન્ય પ્રતાપ અને ઓ
શૂરા બાવીશ હજાર!
-અરદેશર ફરામજી ખબરદાર
|