[પાછળ]
તું મારે ચાંદલિયે ચોંટ્યો

(રાગ કેદારો)
તું મારે ચાંદલિયે ચોંટ્યો, સારા મૂરતમાં શામળિયા
એક ક્ષણ અળગો ન થા, પ્રાણજીવન વર પાતળિયા

ખડકીએ જોઉં ત્યાં અડકીને ઊભો, બારીએ જોઉં ત્યાં બેઠો રે
શેરીએ જોઉં  તો  સન્મુખ આવે,  વહાલો અમૃત સમ મીઠો રે

જમતાં જોઉં ત્યારે જોડે બેઠો, સૂતાં જોઉં ત્યારે સેજડીએ દીઠો
વૃન્દાવનને   મારગ  જાતાં,    આવીને   વળગે      બેલડીએ

પ્રીત કરે  તેની કેડ  ન મેલે,  રસ આપે અતિ રસિયો રે
નરસૈંયાનો સ્વામી મળીઓ, મુજ હૃદય કમળે વસીઓ રે
-નરસિંહ મહેતા
[પાછળ]     [ટોચ]