 ફરક ફરક તું મુક્ત હવામાં
ફરક ફરક તું મુક્ત હવામાં ઝંડા ઊડ તું ઊંચે વ્યોમ
અમ મસ્તક પર રહે ફરકતો જ્યાં લગી નભમાં સૂરજ સોમ
ઝંડા મુક્ત વિહર જગવ્યોમ
સાથી હો તવ સૂરજ સોમ
રહે લહેરાતો હિમગિરિ પર તું ઊડ તું સાગર તટે વિરાટ
કૃષ્ણા રેવા તટે ઊડ તું ઊડ તું જાહ્નવી યમુના ઘાટ
ઝંડા મુક્ત વિહર જગવ્યોમ
સાથી હો તવ સૂરજ સોમ
ત્રિરંગી છે તવ છાયા શીળી ધર્મ ચક્ર તવ ઉરે ઉદાર
અશોક કેરા સ્વપ્ન ફળે સૌ સુણાયે જા તવ ઉર ધબકાર
ઝંડા મુક્ત વિહર જગવ્યોમ
સાથી હો તવ સૂરજ સોમ
શહીદનાં શોણિતથી પોષ્યાં વજ્રસમાં તવ અણનમ અંગ
કુદૃષ્ટિ ક્યમ કો વીંધે તુજને મહાબાહુ તું અગ્નિ તરંગ
ઝંડા મુક્ત વિહર જગવ્યોમ
સાથી હો તવ સૂરજ સોમ
જગ નભે હો ધ્રુવ તારક તું તું હો નૂતન જગનો પ્રાણ
ઘોર નિશામાં વિશ્વજનોને બનજે તું શિવ મુક્તિ ભાણ
ઝંડા મુક્ત વિહર જગવ્યોમ
સાથી હો તવ સૂરજ સોમ
-સ્નેહરશ્મિ
ક્લીક કરો અને સાંભળો
અમદાવાદના સી.એન. વિદ્યાવિહારની આ સુંદર રજૂઆતઃ
(Audio source : www.prarthnamandir.wordpress.com)
|