[પાછળ]
અધૂરા વેદાન્તી નવ વખોડીશ જગને

(શિખરિણી-સોનેટ)
અધૂરા વેદાન્તી  નવ  કદિ  વખોડીશ જગને
પદાર્થોને મિથ્યા કહી  કદિ ન નિંદીશ વિભુને
ઉંધા પ્હેરી ચશ્મો જગ તરફ જો  તું નિરખશે
પછી ક્યાંથી તેના અતિ ગહન સત્યો પરખશે

નથી શું  આ વિશ્વે  જીવન જીવવાની સરળતા
નથી શું  વ્યાપેલી  સ્થલ સકલ માંહે  મધુરતા
વ્યવસ્થા શું રુડી  અખિલ જગ કેરી  નવ મળે
અસંતોષી  જેથી  સતત  ફરિયાદો  બહુ  કરે

અહીં શું ખોટું છે  સરસ મધુરું  આ સકલ છે
કહાં ખામી ભાળે  જગત વિભુ કેરું પ્રતીક છે
વિકારી  દૃષ્ટિ આ નવ કદિ વિલોકે  વિમલતા
જુવે  દોષ  દૃષ્ટિ   શશિવદનમાંયે   મલિનતા

નિરાશી વેદાન્તી  અકલ ગતિને ના કળી શકે
ખસો આઘે કો'દિ  જીવન મધુરું ના જીવી શકે
(૧-૧૧-૧૯૩૦)

-નલિન મણિશંકર ભટ્ટ
[પાછળ]     [ટોચ]