હું કોને વિસરી ગઈ?
(મંદાક્રાન્તા-સોનેટ)
એનું એ છે ઘર જ્યહીં વીત્યું મસ્ત કૌમાર્ય આખું
ખૂણેખૂણો હજી જગવતો રમ્ય નિર્દોષતાનાં
તોફાનોનાં સ્મરણ હજી યે એ જ પ્રેમે પૂછે છે
ભાઈબ્હેનો ખબર સઘળી ને પિતા ભવ્યતાના
ઊંડા ઘેરા ઉદધિ સરખા આંખ આશિષ ભીની
વર્ષાવે છે શ્વશુરગૃહથી આવી હું દેખતાં જ
માતા ઘેલી થઈ ઘડી ઘડી કાળજી વ્હાલથી લૈ
વાત્સલ્યોનાં અમૃત થકી આ જિંદગી બાગ સીંચે
આવે મારી સખિરી કંઈ હૈયે ભરી ગોઠડીઓ
પ્હેલાં જેવું ઘર હજી ભર્યું કૈંક સ્નેહીજનોથી
એનું એ છે સઘળું અહીં જેથી સદા તૃપ્ત તૃપ્ત
રહેતી'તી હું સભર બધું એવું જ આનંદદાયી
તો યે શાને સહુ સૂનું લહું હર્ષ તૃપ્તિ જરી ના
ત્યાં હું કોને વીસરી ગઈ? કોને? અરે હું મને જ!
(૧૭-૦૮-૧૯૫૫)
-ગીતા પરીખ
|