[પાછળ]

કરવતથી વહેરેલાં

કરવતથી વહેરેલાં ઝેરણીથી ઝેરેલાં કાનસથી છોલેલાં તોય અમે લાગણીનાં માણસ બોમ બોમ બીડેલાં પંખાળા સાંબેલાં તોપ તોપ ઝીંકેલાં આગ આગ આંબેલાં ધણધણ ધુમાડાના બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં તોય અમે લાવણીનાં માણસ ખેતરનાં ડૂંડામાં લાલ લાલ ગંજેરી શ્યામ શ્યામ સોનેરી ભડકે ભરખાયેલ છેઃ દાણા દુણાયેલ છેઃ ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં – તોય અમે વાવણીનાં માણસ ભૂખરાં ને જાંબુડિયાં... દૂધિયાં, પિરોજાં દીઠા ને અણદીઠાં દરિયાનાં મોજાં માતેલાં મસ્તાનાં ઘૂઘરિયા સોજાઃ કાંઠેથી મઝધારે સરગમને સથવારે તોયે અમે આવણી ને જાવણીનાં માણસ ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ કરવતથી વહેરેલાં ઝેરણીથી ઝેરેલાં કાનસથી છોલેલાં તોય અમે લાગણીનાં માણસ -વેણીભાઈ પુરોહિત
[પાછળ]     [ટોચ]