[પાછળ]
સંતાઈ રહેશે ક્યાં સુધી?

સંતાઈ રહેશે ક્યાં સુધી  તું હવે તારા વાસમાં?
તુજને જોવા ચાહું છું  તારા અસલ લિબાસમાં!

ધર્મ  ને  કર્મજાળમાં  મુજને   હવે  ફસાવ  ના
મુજમાં તું ઓતપ્રોત છે  હું તારા શ્વાસેશ્વાસમાં!

દર્શની  લાલસા  મને   ભક્તિની  લાલસા  તને
બોલ હવે  ક્યાં ફરક  તુજમાં ને તારા દાસમાં?

મુજને નથી કાં સ્પર્શતાં તારાં અભયવચન બધાં
પૂરાં  કરીશ  શું  બધાં તું  તારા  સ્વર્ગવાસમાં?

તારુંય દિલ વિચિત્ર છે તારો સ્વભાવ છે અજબ
કેમ રહે છે  દૂર દૂર  રહીને  તું  આસપાસમાં?

મારો જગત નિવાસ છે તારો નિવાસ મુજ હૃદય
હું તારા વાસમાં દુઃખી  તું સુખી  મારા વાસમાં?

-બદરી કાચવાલા
[પાછળ]     [ટોચ]