[પાછળ]
ઓ વાતોના વણઝારા

ઓ વાતોના વણઝારા, સુણ બે'ક સવાલ અમારા! અણભંગ વહેતી તવ વદને શબદ-ગંગની ધારા: વણઓલવાયેલ તોય રહે શેં જગ ઉરના અંગારા! ‘બ્રહ્મ, જીવ, માયા’ -મણમણના ચગવે મભમ ગબારા: ચોખ્ખું ને ચટ કહેને, દીઠા આ ઘટના ઘડનારા? જીભ-જંતરના મધઝર જાદુ, કાનને કામણગારા: પણ ખાંડાના ખેલે એના શા ખપના સથવારા? ઓ વાતોના વણઝારા!

-કરસનદાસ માણેક
[પાછળ]     [ટોચ]