સરી જતી કલ્પનાને
(પૃથ્વી)
સરી ન જતી કલ્પના ત્વરિત આમ ત્યાગી મને
જરી સ્થિર તરંગ રાખ તવ રંગ રંગે ભર્યા
વિશુદ્ધ તવ અંગ અંગ પર નગ્ન સૌંદર્યને
સલીલ વિલસાવ હાસકુસુમો પ્રભાપાંગર્યા
અલૌકિક સુગંધપૂર્ણ વિકસાવ હૃત્કુંજમાં
અને રસિક ભૃંગ પાસ ગવરાવ ગીતો નવા
નવા મધુરા ગુંજને અમલ હર્ષના પુંજમાં
વિલીન ઉરના વિષાદ કર મા અધીરી જવા
થતી હજુ અતૃપ્ત માનસ કવિત્વ ઝંખી રહ્યું
રસોન્મદ બનેલ આત્મ નવછંદદોલા પરે
હજુ ચહત ઝૂલવા અમર સ્વપ્નલોકે લહ્યું
બધું અમર રાખવા ધ્વનિ જગાડતા અક્ષરે
વિમુગ્ધકરી કલ્પના લસત લોકની અપ્સરા
અલોપ થઈ જા ન મુક્ત કર કાવ્યકેરા ઝરા
-પૂજાલાલ દલવાડી |