લ્યો જનાબ લખો
આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ લખો
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ? લખો
ખરું ને? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ? લખો
ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો
ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ? લખો
લખો, લખો કે છે, તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો
આ કાળા પાટિયાની બીક કેમ રાખો છો?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો
-રમેશ પારેખ |