[પાછળ]
અભિસાર મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો' સંકોડી ઈન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો. ૧ પવનમાં પુરદીપ ઠરેલ છે, જનતણાં ગૃહદ્વાર બીડેલ છે; ગગનના ભર શ્રાવણ-તારલા ઘનઘટા મહીં ઘોર ડુબેલ છે. ૨ ઓચિંતી અંધકારે ત્યાં ગૂંજી છે પગઝાંઝરી: યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી? ચમકી પલક માંહે સંત જાગી ઊઠે છે, સુખમય નિંદરાના બંધ મીઠા તુટે છે. ઝબુક ઝબુક જ્યોતિ ગુપ્ત કો' દીપકેથી કરુણ વિમલ નેત્રે સંત કેરે પડે છે. ૩ નામે વાસવદત્તા કો પુરવારાંગના વડી ચડેલી છે અભિસારે, માતેલી મદયૌવના. અંગે ઝૂલે પવન-ઉડતી ઓઢણી આસમાની, ઝીણી ઝીણી ઘુઘરી રણકે દેહ-આભૂષણોની; પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની. ૪ તરુણ સૌમ્ય સુહાસવતી વયે, નયનથી કરુણા-કિરણો દ્રવે; મધુર ઇન્દુ સમી સમતા-સુધા વિમલ લાલ લલાટ થકી ઝરે. ૫ લજ્જાભારે નમ્યાં નેત્ર, લાલિત્યે ગળિયું ગળું આજીજીના સ્વરો કાઢી યાચે છે અભિસારિકા: ‘ક્ષમા કરો! ભૂલ થઈ કુમાર! કૃપા ઘણી, જો મુજ ઘેર ચાલો. તમે મૃદુ, આ ધરતી કઠોર. ઘટે ન આંહીં પ્રિય તોરી શય્યા.’ ૬ કરુણ વચન બોલી યોગી આપે જવાબ, ટપકતી અધરેથી માધુરીપૂર્ણ વાણી: ‘નથી નથી મુજ ટાણું સુંદરી! આવ્યું હાવાં, જહીં તું જતી જ હો ત્યાં આજ તો જા સુભાગી! જરૂર જરૂર જ્યારે આવશે રાત મારી, વિચરીશ તુજ કુંજે તે સમે આપથી હું.’ ૭ ઓચિંતો આભ ફાડે લસલસ વિજળીજીભ-ઝૂલન્ત ડાચું, કમ્પી ઊઠી ભયેથી રમણી રજની-અંધાર એ ઘોર વચ્ચે; વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફૂંકે કરાલ, આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કો'ની માંડે! ૮ વીત્યા છે કૈં દિનો માસો આષાઢી એહ રાતને, વર્ષ પૂરું નથી વીત્યું, સંધ્યા ઢોળાય ચૈત્રની ફરર ફરર ફૂંકી આકળો વાયુ વાય, સડક પર ઝુકેલા વૃક્ષને મ્હોર બેઠાં; ઊઘડી ઊઘડી મ્હેકે રાજબાગે રૂપાળાં બકુલ, રજનીગંધા, પુષ્પ પારુલ પ્યારાં. ૯ વાયુની લ્હેરીએ વ્હેતા આવે દૂર-સુદૂરથી, મંદ મંદ સુરા-ભીના ધીરા કૈ સ્વર બંસીના. નગર નિર્જન: પૌરજનો બધાં મધુવને ફૂલ-ઉત્સવમાં ગયાં; નિરખતો ચુપચાપ સૂની પુરી હસી રહ્યો નભ પૂનમચાંદલો. ૧૦ સૂને પંથે નગર મહીં એ નિર્મળી ચાંદનીમાં સંન્યાસી કો' શરદ-ઘન શો એકલો જાય ચાલ્યો; એને માથે તરુવર તણી શ્યામ ઘેરી ઘટાથી વારે વારે ટહુ! ટહુ! રવે કોકિલા સાદ પાડે. ૧૧ આવી શું આજ એ રાત્રી, યોગીના અભિસારની? આપેલા કોલ આગુના, પાળવા શું પળ છે એ? નગરની બા'ર તપોધન નીસર્યો, ગઢની રાંગ કને ભમવા ગયો, તિમિરમાં સહસા કંઈ પેખિયું વનઘટા તણી છાંય વિષે પડ્યું. ૧૨ પડી નિજ પગ પાસે એકલી રંક નારી, તન લદબદ આખું શીતળાનાં પરુથી; વિષ સમ ગણી એની કાળી રોગાળી કાયા, પુરજન પુર બા'રે ફેંકી ચાલ્યા ગયા'તા. ૧૩ સંન્યાસીએ નમી નીચે, માથું રોગવતી તણું ધીરેથી ઝાલીને ઊંચું પોતાના અંકમાં ધર્યું. સૂકા એના અધર પર સીંચી રૂડી નીરધારા, પીડા એને શિર શમવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા: ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો, લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો. ૧૪ પૂછે રોગી: ‘મુજ પતિતની પાસ ઓ આવનારા! આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા?’ બોલે યોગી: ‘વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા! તારા મારા મિલનની સખિ! આજ શૃંગારરાત્રી.’ ઝર્યાં પુષ્પો શિરે એને, કોકિલા ટહુકી ઉઠી, પૂર્ણિમારાત્રિની જાણે જ્યોત્સ્નાછોળ છલી ઉઠી. -ઝવેરચંદ મેઘાણી
[પાછળ]     [ટોચ]