[પાછળ]
બાકસ નામે ધરમ

બાકસ નામે ધરમ   ધરમમાં દીવાસળીનાં ટોળાં જી
એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી

પીંછાં બાળ્યાં પાંખો બાળી  બાળી  એની ચાંચો જી
પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને  વાંચો જી

બાકસજી  ઉપદેશ  કરે ને  આપે  સૌને  અગ્નિ જી
ફૂલેફાલે  ધરમ આપણો  એ જ અમારી લગની જી

નાતજાતનો ભેદ  નથી  આ ધરમ એટલો સારો જી
એક વાત ને  એક આચરણ  પકડો કાપો મારો જી

વાત સાંભળી ગલી ગલીથી ઊમટી આવ્યા ચેલા જી
ત્યારે  અમને  ખબર પડી કે  હતા  કેટલા ઘેલા જી

ઘણો કઠિન આ ધર્મ હતો ને  હોંશે હોંશે પાળ્યો જી
વ્યર્થ બધી એ  વાતો  છે  ભૈ  કોણે કોને બાળ્યો જી

દીવાસળીનાં  ટોળેટોળાં   ફરી   વળ્યાં  ચિક્કાર જી
બાકસ નામે ધરમ ધરમનો થઈ ગ્યો જયજયકાર જી

-કૃષ્ણ દવે 
હટાણા જુદા કર્યા

હાટો  જુદી  કરી  ને  હટાણા  જુદા કર્યા
એકેક  વીણી  વીણી  ઘરાણાં  જુદા કર્યા

જોવાનું  દૃશ્ય  જ્યારે  વહેંચી શક્યા નહીં
ત્યારે  બધાયે  ભીંતમાં  કાણાં  જુદા કર્યા

જીવતર  પછેડી  જેને  બધા ઓઢતા હતા
તેના  બધાયે  તાણા ને  વાણા  જુદા કર્યા

ભેગા મળીને  જેના  ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી  તે પાણા જુદા કર્યા

અવકાશમાં  ધૂમાડો  બધે એક  થઈ રહ્યો
ધરતી  પર  ભલે  તમે  છાણાં જુદા કર્યા

ખેતરમાં સહુએ સાથે મળીને ખેડ તો કરી
જ્યારે  ફસલ લણાઈ તો દાણાં જુદા કર્યા

ભૂખ્યાંજનોને  પારણાં   કરવાને   નોતરી
મોઢાંઓ જોઈ  જોઈને  ભાણાં  જુદા કર્યા

બે  આંખનીય  કોઈને  નડતી  નથી શરમ
પાડોશીઓ  જે  જોઈ  લજાણા જુદા કર્યા

કોઈએ  ગદ્ય  ગીત  અને  કોઈએ  ગઝલ
આદિલ બધાયે  પોતાના ગાણાં જુદા કર્યા

-આદિલ મન્સૂરી