ગરજ હોય તો આવ ગોતવા
ગરજ હોય તો આવ ગોતવા,
હું શીદ આવું હાથ, હરિ!
ખોજ મને જો હોય ખેવના,
હું શીદ સ્હેલ ઝલાઉં, હરિ!
ગેબ તણી સંતાકુકડીમાં
દાવ તમારે શિર, હરિ!
કાળાન્તરથી દોડી રહ્યા છો
તોય ન ફાવ્યા કેમ, હરિ!
સૂફીઓ ને સખી ભક્તો ભૂલ્યા,
વલવલિયા સૌ વ્યર્થ, હરિ!
‘સનમ! સનમ!’ કહીને કો' રઝળ્યા
કોઈ ‘પિયુ! પિયુ!’ સાદ કરી
પોતાને પતિતો દુષ્ટો કહી
અપમાને નિજ જાત, હરિ!
એ માંહેનો મને ન માનીશ,
હું સમવડ રમનાર, હરિ!
તલસાટો મુજ અંતર કેરા
દાખવું તો મને ધિક, હરિ!
પતો ન મારો તને બતાવું
હું-તું છો નજદીક, હરિ!
મારે કાજે તુજ તલસાટો
હવે અજાણ્યા નથી, હરિ!
હું રિસાયલને તું મનવે
વિધવિધ રીતે મથી, હરિ!
પવન બની તું મારે દ્વારે
મધરાતે ઘુમરાય, હરિ!
મેઘ બનીને મધરો મધરો
ગાણાં મારાં ગાય, હરિ!
વૈશાખી બળબળતાં વનમાં
દીઠા ડાળેડાળ ભરી,
લાલ હીંગોળી આંગળીઆળા
તારા હાથ હજાર, હરિ!
માછલડું બનીને તેં મુજને
ખોળ્યો પ્રલયની માંય, હરિ!
હું બન્યો કાદવ, તું બની ડુક્કર
રગદોળાયો—શરમ, હરિ!
પથ્થર લક્કડ પશુ પંખી થૈ
નજર તમારી ચુકાવી, હરિ!
માનવ થઈ પડું હાથ હવે, તો
જગ કહેશે, ગયો ફાવી, હરિ!
લખ ચોરાશીને ચકરાવે
ભમી ભમી ઢુંઢણહાર, હરિ!
ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે,
કાં તો હાર સ્વીકાર, હરિ!
-ઝવેરચંદ મેઘાણી |