[પાછળ]
આઠે પ્રહર ખુશાલી

અમ પ્રેમીઓના જીવનમાં વસી છે, આ સૌંદર્યસૃષ્ટિની જાહોજલાલી; ઘટે જો ધરા તો બને દિલનો પાલવ, ઘટે જો ગગન તો બને નૈન-પ્યાલી. અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી; આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી. મરણને જીવનનો ઈજારો સમર્પી, ફનાને અમરતાની આપી બહાલી; સુરક્ષિત રહે એનાં સર્જન-રહસ્યો, એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી. હજારો પથિક આ તિમિર-ઘેર્યા પથ પર, વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે; જલાવી દે જીવન! નયન-દીપ તારાં, બનાવી દે બળતા હ્રદયને મશાલી. કોઈના સ્મરણમાં નયનને નિચોવી, મેં ટપકાવી જે બૂંદ રૂપે રસેલી; બની એ પ્રણયની અમરતાનું સ્મારક, લઈ તાજની સર્વ જાહોજલાલી. તિરસ્કૃત જીવન! આ તો છે મૃત્યુ-આંગણ, નથી કોઈના ઘરનો ઉંબર કે ડરીએ; ગજું શું કે બેઠા પછી કાંઈ અહીંથી ઉઠાડે તને કે મને હાથ ઝાલી? મને ગર્વ છે કે આ મારી ગરીબી, અમીરાતની અલ્પતાઓથી પર છે; સિકંદરની મર્હૂમ કિસ્મતના સોગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી. તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા; કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી. બધાં નામનો નાશ નક્કી છે, કિંતુ, અમર નામ છે ’શૂન્ય’ મારું જગતમાં: ફના થઈને પણ શૂન્ય રહેવાનો હું તો, નહીં થાય મુજ નામની પાયમાલી. -‘શૂન્ય’ પાલનપુરી

સદા ખાલી હાથે અને છતાં આઠે પ્રહર ખુશાલી સાથે જીવન જીવી ગયેલા ‘શૂન્ય’ને તથા તેના ચાહકોને આ અમર કવિતાના ભાવ જગતની સમાધિમાંથી હાથ ઝાલી ઉઠાડવાનું કોઈનું ગજું નથી! ‘શૂન્ય’ના ચાહક મનહરભાઈએ આ કવિતાના માત્ર ચાર અંતરા ગાયા છે અને થોડા શાબ્દિક ફેરફાર કર્યા છે પણ તેમની રજૂઆત એક અનોખી અનુભૂતિ કરાવે છે. ક્લીક કરો અને સાંભળો–


[પાછળ]     [ટોચ]