[પાછળ]
લૂલા-આંધળાની નવી વાત

હતો એક મજદૂર  ન જેનાં દુઃખની થાય જ યાદી
અને બીજો  પડખે રહેતો  કો વચને  સમાજવાદી
પેલો  રાત દી  અંગ  ગાળી   કરે  મજૂરી  કાળી
આંધળી એની આંખે  રોટી  કદી ન પૂરતી ભાળી

પડોશી  એનો આંખ-અક્કલે  નરવો  તો યે  રુએ;
પૂરો  પાંગળો  અંગે  એનું   કોણ  ધોતિયું  ધુએ?
રાત પડે  ને  દિવસ  ઊગે  કે ધુમાય બન્યો  રાંકા
આંગળીવેઢે  ફરી  ફરી  ગણતા  થયા કેટલા ફાંકા

એક થાકીને  લોથપોથ થઈ  નસીબ  નિજનું  શ્રાપે
ભદ્ર  વર્ગની ચૂસ  બીજો  ખુરશીમાં  રહી આલાપે
શાપ નિસાસા ગાળ-ગપાટા  વડે  ન ભૂખડી ભાંગી
ત્યારે પેલો  ભણ્યો  પડોશી  આંખ  ઊંચકે  ફાંગી

‘ભલા  શીદ  તું  રાત  દહાડો  કૂટે  અંધ મજૂરી?
મારી  આંખે  દેખ જરી  તેં અન્યની  ભરી તિજૂરી
ધનિકોનાં  ભંડાર   ભર્યાં  તેં   તારે  નસીબે  ડાટા
તારું  તું  વરતે   ના   તારી  આંખે  જુગના  પાટા’

મજૂરે  એને  ઊંચકી  લીધો  ઉમંગથી  નિજ  ખાંધે
લૂલો  કહે  ત્યમ  અંધો  ચાલે  ભેગું   બેઉનું  રાંધે
દેશપ્રદેશે  વાત   ઊડી  ને  વાગી  ગડ  ગડ તાળી
‘જુઓ!  ઘડીમાં શ્રીમંતોની  આવી  મોતની  પાળી!’

અંધા  લૂલાના  કંઈ  સંઘો  ઊમટ્યા  ધરતી  ખોળે
લૂલો  ખભેથી   જીભ   ચાબખે   અંધાને    ઢંઢોળે
મજલ    ચલાવે    અંધો    લૂલો    બેઠો    ચાવે
કાન અંધના  હતા સાબદા  ‘અવાજ  શેનો આવે’?

લૂલાભાઈ  ખભે   રહીને  કરતા   બે  કર   ઊંચા
ફળ  ઝડપી  રસ  ચૂસી  અંધને  દેતા  સૂકા  કૂચા
‘જો  ભાઈ  ધનિકોને  લોભે  ભરવું  આપણ  ભૂખે;
ઝટપટ  તેથી  ચલો  બિરાદર ચલો  સુખે  કે દુઃખે!’

નાગચૂડ    અંધાની    કોટે     લૂલાએ    જકડાવી
સિંદબાદને   દરિયાઈ   બુઢ્ઢાએ    જેવી    લગાવી
હરતાં   ફરતાં   કામ   કરતાં   ખાતાં  સૂતાં  રોતાં
પંડિતની  ના  ચૂડ  છૂટતી  ડિલથી   ઊખડે  છોતાં

દૂર  દેવગિરિ પર  ભદ્રોની  તાળી  ગડ  ગડ  વાગી
‘પગે ચાલીને  ઊંચે આટલે  આપણ ચડ્યા અભાગી’
અક્કલવંતા  ખભે અન્યને   કેવા  સુખથી   બિરાજે!
પંગુ ચડે ગિરિ પર! જય પ્રભુનો કળિયુગેય શો ગાજે!
(મુંબઈ, મે ૧૯૩૫)

-ઉમાશંકર જોશી
[પાછળ]     [ટોચ]