[પાછળ]
હું માનવી માનવ થાઉં તો ઘણું
પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી હું માનવી માનવ થાઉં તો ઘણું! અનન્ત વિશ્વે લઘુ બિન્દુ પૃથ્વી પરે હું ચૈતન્ય તણો જ બિન્દુ ચૈતન્યશાળી થઈ ચેતનાનો પ્રવાહ સીંચું જડમાં તો ઘણું! આ દેહ પે પાંખ ઉગાડવી ના, આ ખોબલે સૃષ્ટિ ઉછાળવી ના, અમાનુષી શક્તિ જ જાચવી ના. દિક્‌કાળના સર્વ પેટાળ ભેદી, નેપથ્ય સૌ સ્થૂલતણા છેદી, સૂર્યોતણી જોઈ નિહારિકાઓ આ આંખ પે પાંપણ બીડવાની. ઊડી ઊડી આભ તણા ઊંડાણે, સમુદ્રના ગહ્‌વર પટાળે, ભમી ભમીને પગ ઠારવા તો ને શ્વાસ લેવા અહીં આવવાનું. કીકી ક્યાં આ, ઉડુમંડળો ક્યાં? ક્યાં પાય આ, ક્યાં જ દિગન્તરાળો? આ દેહડીની રજ શી ભુજામાં આ ઊંડાણું આભ સમાય શાનું? આ વિશ્વનો અંશ જ જો ધરા તો કને તજી દૂર કેમ ઘૂમું? ધરાતણો અંશ જ પિણ્ડ આ તો બ્રહ્માણ્ડ આ પિણ્ડ વિશે જ ખોળું. છે વિશ્વ મારા હૃદયે સમાયું, શ્વાસે ભર્યો મેં જ જગપ્રાણવાયુ, આંખે ભર્યા સૂર્યતણા પ્રકાશો, દેહે બધાં દેવતણો જ વાસો; પરમાણુમાં સર્વવ્યાપી સમાયો, આ બુદ્‌બુદે ચેતનઅબ્ધિ માયો, આ વૈખરીથી જ અગમ્ય ગાયો, આ સ્થૂલમાં સૂક્ષ્મતમે વિલાસ્યો. રે, સૂક્ષ્મથી સ્થૂલ પ્રકાશ પામ્યું, નિશ્ચેટથી ચેષ્ટિત સર્વ જામ્યું, રે, સ્થૂલ ને ચેષ્ટિતને ઉપાસી અતીત તે સૂક્ષ્મ મથું હું જોવા: મારા પદે આ પડી મૃત્તિકા જે તે ખોબલે લૈ મસળું, નિહાળું. નિશ્ચેટ માટીકણ આ પડેલા, સચેષ્ટ મારા કણ આ બનેલા. નિશ્ચેષ્ટને વાયુ જગે વિખેરે, સચેષ્ટ મારા કણ હું વિખેરું. નિશ્ચેષ્ટથી ચેતનધાન્ય ઊગે, સચેષ્ટથી હું ય કંઈ ઉગાડું. જે જે કણોથી ઘટ આ ઘડાયો, પાછા દઉં તે સૌ વ્યાજ સાથે, મારું અહં પોષું કદી ન એથી, ન સ્વાર્થનાં મંદિર બાંધું એથી. નિશ્ચેષ્ટ ને ચેષ્ટિત જે કણો તે આ ભૂમિ મારી, મુજ ભાંડુઓ જે તે કાજ આ સૌ કણ દૌ વિખેરી, વીંટાળી દઉં સૌ ઋણના ઊભેરી. વિકાસકેરા ક્રમમાં વધંતાં કીટાદિથી માંડી મનુષ્ય થાતાં, જે ખોળિયું પામું ન તેહ નિંદું, તેના જ દ્વારા કરું કાર્ય સંધું. આજે પડ્યા માનવદેહમાં હું સંપૂર્ણ થાવા જ મનુષ્ય ઈચ્છું. આ ચેતનાના કણ કાજ આંહી પ્રકાશવાની ઘણી કાલિમા છે, હજી ઘણાં ભૂતલ ખેડવાનાં, હજી ઘણાં જંગલ વીંધવાનાં, નિઃસીમ છે કાર્યપટો બિછાવ્યાં. આ ભૂતલે જે પુરુષાર્થગંજ તે એક શું કિંતુ અનેક જન્મો મનુષ્યનાથી પણ ખૂટે ના આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવ કેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભુગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઈચ્છું. આ ચેતનાનો કણ જાળવી હું અમાનુષી દાનવતાપ્રપાતે બૂઝાઈ જાતો હું લઈ બચાવી, એ ચેતનાને અધિકાધિક હું પ્રજ્‌વાળવા ઈચ્છું અહીં અહીં જ, આ ભૂમિમાં, માનવદેહ માંહે પુનઃ પુનઃ પ્રાર્થું હું જન્મ મારો. તે આમ ઉત્ક્રાંતિપંથે પળંતો હું માનવી ચિત્‌ચણગાર ઝાઝો જ્વલંત થાતો કંઈ કાળ અંતે નિર્ધૂમ્રજ્યોતિ થઉં શુદ્ધ આત્મા. ભલે ભલે તો, પરવા પરંતુ સુદૂર એ ભાવિ તણી હજી ના. આજે અહીં ભૂતલમાંહી જન્મ્યો મનુષ્યદેહે બસ ઈચ્છું આટલું: આ અલ્પદેહે પ્રભુની પ્રતિષ્ઠા સ્થપાયેલી શાશ્વત સત્યનિષ્ઠા સત્કાર્યદીક્ષા હ્રદયે બલિષ્ઠા ધરી મથંતો હું મરું તો ઘણું! અનંતનો દીપકવાહી હું આ અકલ્પ્ય પંથે પળનાર હું જે મનુષ્ય જન્મ્યો, મરતાં સુધી હું ‘હતો ખરો માણસ’ બની રહું; જ્યાં પાય મારા તહીં શીશ મારું, જ્યાં દેહ મારો તહીં હૈયું મારું, વસુંધરાનું વસુ થાઉં તો સાચું, હું માનવી માનવ થાઉં તો ઘણું!
-સુન્દરમ્
[પાછળ]     [ટોચ]