[પાછળ]

મારા હૈયાની વાતડી પૂછશો મા

પૂછશો મા, કોઈ પૂછશો મા, મારા હૈયાની વાતડી પૂછશો મા. દિલના દરિયાવ મહીં કાંઈ કાંઈ મોતી: ગોતી ગોતીને તેને ચૂંથશો મા: મારા હૈયાની વાતડી પૂછશો મા. ટહુકે છે કોકિલા, પુકારે છે બપૈયો: કારણોના કામીને સૂઝશો મા: મારા હૈયાની વાતડી પૂછશો મા. આંસુનાં નીરના કો આશાના અક્ષરો આછા-આછા તો યે લૂછશો મા: મારા હૈયાની વાતડી પૂછશો મા. જગના જોદ્ધા! એક આટલું સુણી જજો: પ્રારબ્ધનાં પૂર સામે ઝૂઝશો મા: મારા હૈયાની વાતડી પૂછશો મા.
-મહાકવિ નાનાલાલ
[પાછળ]     [ટોચ]