બ્રહ્મવિદ્યાતિમિરોજ્જ્વલ શય્યા પર પોઢેલા યમ
ઊંઘરેટી આંખ ચોળતા બેઠા થઈ ગયા:
તેમના વાતાનુકૂલિત દરવાજા પર
કોલાહલ ટકોરા મારી રહ્યો હતો.
*
આકાશમાં અગણિત આત્માઓ
પારદર્શક દીવાલ ભેદવા પ્રયત્ન કરતા હતા;
અચંબામાં પડેલા ચિત્રગુપ્તે હાથમાંના રિમોટથી
બંધ કરી દીધો દીવાલમાંનો દરવાજો.
પૃચ્છા કરી વાયરલેસ પર:
"દૂતો, તમે ક્યાં છો?
તમે તમારી આજ્ઞાની મર્યાદા
લોપી તો નથીને? ઓવર."
*
અજંપાનો ઉજાગરો
યમને સૂવા દેતો નથી:
એમના કાન પર સતત સંભળાય છે કોઈ અવાજ:
"યમ, મારે શીખવવું છે, બ્રહ્મજ્ઞાન તમને,
તમે સાંભળો છો, યમ?"
હેબતાઈ ગયેલા યમે
દરવાજાને સાંકળ વાસી દીધી.
*
"ચિત્રગુપ્ત, અમે સાવ પાછળ છીએ:
તમારી આજ્ઞા સો આત્માની હતી:
અમારા પાશમાં બંધાયા છે બરાબર સો,
અમારી આગળ રસ્તો રોકી
સેંકડો આત્માઓ કેમ કોલાહલ કરે છે?
વિના પાશ એ
અહીં કેમ ધસી આવ્યા છે? ઓવર."
*
"યમ, તમે સાંભળો છો?
તમે ભૂલી ગયા છો, તમારું જ્ઞાન.
હું આવ્યો છું, બ્રહ્મવિદ્યાનું દાન કરવા.
તમારી પાસે આવતાં આ કઈ
નજરે ન ચડતી દીવાલ મને રોકે છે?"
"રસ્તો કરો."
"સામે કશું જ નથી:
આગળ કેમ જતા નથી?"
"અશરીરી હયાતીને પણ ભીંસ લાગે છે;
રસ્તો કરો."
આગળ જવાનો પ્રયત્ન કરતા આત્માઓ
પાછા ફંગોળાય છે:
પાછળ આવનારા વધુ પાછળ ધકેલાય છે.
*
"યમ, તમે સાંભળો છો?"
ફરી એક વાર વણબોલાવેલો અતિથિ
આકાશની દીવાલ સાથે અથડાવે છે
અશરીરી હયાતી.
"દરવાજો ખોલો છો?
કે થોડું આરડીએક્સ લઈ આવું?"
"આરડીએક્સ?
ચિત્રગુપ્ત, આ શું છે?"
"સર, સમજ પડતી નથી;
ધસી આવ્યા છે અનવૉન્ટેડ આત્માઓ."
"તપાસ કરો; ક્યા ગ્રહમાંથી ભૂલા પડ્યા છે?
પૃથ્વી પરના આત્માઓ પર આપણી હકૂમત છે;
આપણી આજ્ઞા વિના ત્યાંથી કોઈ ન આવે.
બ્રહ્માંડના ક્યા રસ્તા પરનાં સિગ્નલો
કામ કરતાં નથી? તપાસ કરો.'
*
"નચિકેતા,
આ શું?
તમારા પિતાના આશ્રમના બ્રહ્મચારીઓ
હવે આવું કૌપીન પહેરે છે?"
નચિકેતાના ખડખડાટ હાસ્યે
યમ ડઘાઈ ગયા.
"યમરાજા,
મારી બ્રહ્મવિદ્યાનો આ પહેલો પાઠ.
મારા પિતાનો આશ્રમ નથી,
દારૂની દુકાનમાં એ નોકર છે:
આ કૌપીન નથી,
ફાટેલી ચડ્ડી છે...
મારા પિતા કામ કરે છે
એ દારૂની ભઠ્ઠીમાં
બ્રહ્મચારીઓ નહીં,
બળાત્કારીઓ આવે છે:
નશામાં ચૂર થઈ
એ
પોતાની પત્ની પર,
ઝૂંપડપટ્ટીની અસહાય કન્યા પર
કે છેવટે
પોતાની કંતાઈ જતી જાત પર
રોજ ને રોજ
બળાત્કાર કરે છે!"
યમ આંખો ચોળે છે:
ટેબલ પરના ફોનમાંનો
વૉઈસ ઓપન કરી પૂછે છે:
"ચિત્રગુપ્ત,
આ કોણ છે?
એના ઍન્ટિસીડન્ટ્સ શું છે?"
સામે અવાજ સંભળાય છે:
"સર,
બૉમ્બવિસ્ફોટમાં
એના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા છે,
આ આત્મા..."
"વિસ્ફોટની આજ્ઞા કોણે આપી?"
"યમરાજ,
ગુસ્તાખી માફ કરજો.
હવે પૃથવીલોકમાં
મરવા કે મારવા માટે
યમની આજ્ઞા નથી ચાલતી:
આરડીએક્સ કે
એ.કે. ફિફટીસિક્સ ચાલે છે."
"શું?
કંઈ સમજાય એવું બોલ."
"હું વ્હાઈટ પેપર મોકલું છું:
તમને એ સિવાય
નહીં સમજાય આ બધું."
*
નચિકેતાના હાસ્યના પડઘા
યમના શરીરને ઠંડું પાડી દે છે:
"યમરાજા,
બ્રહ્મવિદ્યાનું આ બીજું ચરણ:
મૃત્યુ જીવના છેદન સાથે નહીં
અંગેઅંગના છેદન સાથે પણ આવે છે:
તમે તો જોઈ શકો છો,
આત્માનો દેહભાવ!"
યમ આંખ બંધ કરી
બીજી ક્ષણે ચીસ પાડે છે:
"ઓહ, આ શું!
એક પગ બસમાં,
બીજે છેડે બીજો હાથ.
તૂટેલી ખોપરીનો
એક અંશ ઊડીને પડ્યો છે
દુકાનના છાપરા પર...
ઓહ,
જોયું નથી જતું આ...
ક્યા યુદ્ધમાં..."
"યમરાજા,
બ્રહ્મવિદ્યા ભણો, આ છે ત્રીજો પાદ.
કેવળ યુદ્ધમાં જનારનાં જ
અંગ છેદાતાં નથી;
યુદ્ધમાં ન જનારાનાં
અંગો પણ ઢળે છે વેરણછેરણ થઈને!"
*
"મને ચૂંટી ખણો, દૂતો, હું જાગું છું ?"
"તમે તમારા દીવાનખંડમાં છો, મહારાજ!"
"આ કોણ છે!"
"અનવૉન્ટેડ આત્માઓનો પ્રતિનિધિ."
"મૃત્યવે ત્વાં દદામિ
સાંભળીને અહીં આવેલો
ઉદ્દાલકનો પુત્ર આ ન હોય?"
"યમરાજા,
હવે ક્યારે મરે છે
એ શબ્દો સાંભળી રીઢો થયેલો હું
ઉદ્દાલકના પુત્રથી જુદો નથી:
ફરક પડ્યો છે વીતેલા સમયે
માત્ર અમારી ભાષામાં."
*
"ચિત્રગુપ્ત,"
"જી."
"મારું રાજીનામું મોકલી આપો ઈન્દ્રને,
મારે નથી રહેવું
આ આસન પર:
જ્યાં મારી હકૂમત લોપાય,
અધિકારો ન રહે
એવી સત્તાનો શો ખપ?"
"યમરાજા,
મારી બ્રહ્મવિદ્યાનું ચોથું પાદ:
હકૂમત લોપાય,
અધિકાર ન રહે,
એટલે પૃથ્વીલોકમાં કોઈ સત્તા છોડતું નથી:
તો તમે શા માટે?"
-હરીન્દ્ર દવે
|