ડોશીની પાડી
તેત્રીસ કોટિ દેવતા રે,
ચૌદ ભુવનને સેવતા રે,
ગરીબ ડોશીની અરજો સાંભળજો જી.
ચંદરવરણી મારી પાડી ખોવાય છે,
પાડી વિના ના મારી ભેંસ દોવાય છે,
દુધડાં વિના ચા મારી આજે ન થાય છે,
સતિયા હો દેવ આવી,
રુદિયામાં રહેમ લાવી,
પાડી ખોળી લૈ આવો દેવતા રે જી.
રાણી મીરાંનાં તમે વખડાં પી લીધાં,
પાંડવને વનમાં પૂરાં પાડ્યાં જ સીધાં,
નીચ, માછી, કણબીનાં કામો જ કીધાં,
સતિયા હો દેવ ત્યારે,
પડી છે ભીડ મારે,
પાડી ખોળી લૈ આવો દેવતા રે જી.
આ રે આફતમાં શરણું તમ્મારું, વહાલા,
હોલા, કાચબા ને હાથી કારણ, હો વહાલા,
દોડ્યા, વરસ્યા ને ઊડ્યા અદ્ધરથી, વહાલા,
સતિયા હો દેવ મોટા,
પડશો શું આજે ખોટાં?
પાડી ખોળી લૈ આવો દેવતા રે જી.
બપોર દહાડાની હું તો કગરું છું, વહાલા,
ખોળવા જઉં તો કૂતરાં કરડે હો, વહાલા,
ચૂલે મેલેલી કઢી ઊભરાઈ જાય, વહાલા,
સતિયા હો દેવદેવી,
તમને આળસ કેવી?
પાડી ખોળી લૈ આવો દેવતા રે જી.
બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ વહારે ધાઓ મારી,
અંબા, બહુચર, મહાકાળી આવો ઊતાવળી,
પાયે લાગું હું તમને સૌને લળી લળી,
સતિયા હો દેવ બાપા,
તમને ઓધારક થાપ્યા,
પાડી ખોળી લૈ આવો દેવતા રે જી.
લટકતું લીંબુ
કળશે જઈને ત્યાં કોયો ભગત જાય
કકળતી દીઠી ડોશી રે જી.
રડતી દેખીને ઊભા ભગત ને
છૂટેલી કાછડી ખોસી રે જી.
ડોશીએ વાત ત્યાં કીધી ભગતજી
પાડી છે મારી ખોવાઈ જી.
તેત્રીસ કોટિ દેવલોક કેરી
અરજો હું રહી છું ગાઈ જી.
કોયો ભગત ત્યાં બોલ્યા હસીને
નવરા તારા દેવ લાગે છે જી.
તારી પાડીને ખોળવા કારણ
ખરા બપોરના જાગે છે જી.
ડોશી ચીડાઈને બોલે ભગતજી,
ભગતાઈમાં શું જાણો છ જી.
ભગતને ઘેર છે ભગવાન બંધાયો,
ઊંધું તમે કેમ તાણો છ જી?
તેત્રીસ કોટિ દેવો મારા તે,
પાડી ખોળી શું ન દેશે જી?
અધમ ઓધારણ, ભીડોના ભંજન,
એમને કોણ પછી કહેશે જી?
કોયો ભગત કહે ડોશીમા દુઃખડાં
સાચું કહું તો ન લાવશો જી.
ખોળવાને આંખપગ દીધાં છે તમને
ખોટાં સંદેશા ન કહાવશો જી.
સાચા સંકટમાં ય મહેનત કર્યા વિણ
કોઈએ ન આવી બચાવશે જી.
ખોળ્યા વિના તમારી પાડી ના જડશે,
હાંક્યા વિના ન ઘેર આવશે જી.
જાઓ તમારી પાડી ઊભી છે
તમારા ઘર પછવાડે જી.
ઊઘાડો આંખ ને લંબાવો હાથને
લીંબુ છે લટક્યું ડાળે જી.
ડોશીએ હરખી ‘આંય આંય’ બૂમ એમ
પાડી ત્યાં પાડી આવી જી.
કોયો ભગત કહે સાચા લોકોએ
મહેનતની વેલ છે વાવી જી.
-સુન્દરમ્
|