મને મૂકજે અંબોડલે
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
એક મારું વેણ તને, મૂકજે અંબોડલે.
હું તો નાનું ફૂલડું,
ખીલ્યું અણમૂલડું,
હીંચું હીંચું ને હસું ડોલતે રે ડોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
વાયુરાજ પૂછતો,
આંખ મારી લૂછતો,
મુજને ફાવે ન એને વીજફાળ ઘોડલે.
એક મને ભાવે આ હીંચવું રે ડોડલે.
આજ તારી આંખમાં,
ફૂલ દીઠાં લાખ શાં!
હોડે હૈયું તે ચડ્યું હેત કેરે હોડલે.
હું ય ઝૂલું આંખશું તારે દેહડોડલે.
માળમાં વીંધીશ મા,
કાંડે ચીંધીશ મા,
મૂકજે આંખોથી કોઈ ઊંચેરે ટોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
ચૂંટજે ને ચૂમજે,
ગૂંથીને ઘૂમજે,
હૈયાની આંખ બની બેસું અંબોડલે.
ચૂંટે તો, બ્હેન, મને મૂકજે અંબોડલે.
-ઉમાશંકર જોશી |