મરણ
(શાર્દૂલવિક્રિડીત-સોનૅટ)
શસ્ત્રો છેદી શકે કદી નવ, વળી બાળી ન વન્હિ શકે
પાણી ના ભીંજવી શકે પ્રલયનો વાયુ ન શોષી શકે;
નિત્ય સ્થાણુ અનન્ત નિશ્ચલ, ભલે ગીતા ભણે આત્મને
તોયે અન્તરમાં સનાતન સૂરો ન સ્થિરતા એ ગ્રહે.
આત્મા શાશ્વત; તો પછી મરણ શું? ક્યાંથી પ્રવેશ્યું જગે
કોણે એ ઉપજાવ્યું ને સ્વરૂપ શું? કેવી રીતે એ રહે!
મૃત્યુને નથી મૃત્યુ શું? જગતને કો'ના નિયોગે ગ્રસે!
પ્હેલાં શું જગતમાં હતું મરણની, એના પછી શું હશે?
મૃત્યુને અધિકાર શો જગતના સૌન્દર્ય સંહારવા?
નિર્મી જે ન કંઈ શકે, કૃતિ કહાં તૈયાર તે ભાંગવા?
એની જો અનિવાર્યતા જગતમાં તો કાં બધાં જન્મતાં?
મૃત્યુ ના પરિહાર્ય તો જનમવું એથી શી મોટી પીડા!
કે જન્મ્યાં જ નથી ચરાચર બધાં તત્વો દિસે જે જગે
કલ્પી લે અનુમાનથી મરણને અધ્યાસના કારણે!
(૨૨-૧૨-૧૯૩૦)
-નલિન મણિશંકર ભટ્ટ
|