[પાછળ] 
અકારણે આજ મારું મન

અકારણે  આજ  મારું મન  ઘેલું  ઘેલું  થાય!
મૂંગું રહેવા  જેમ મનાવું  તેમ એ વ્હેલું ગાય!

મારે અધરે સ્મિત ફૂટે   
            તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે   
            તો હસી હસી ન્હાય;

વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે  આજ  મારું મન  ઘેલું  ઘેલું  થાય!

લોકની માયા શીય કીધી   
            તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી   
            કે ચરણ ચૂમવા જાય;

ક્યારેય જે ન નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે  આજ  મારું મન  ઘેલું  ઘેલું  થાય!
(૧૯૪૮)

-નિરંજન ભગત
 [પાછળ]     [ટોચ]