[પાછળ]
શ્યામ તારી દ્વારકામાં

શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવું? એવડી એ દ્વારકામાં આવડું આ ગોકુળ કહે ને રે શ્યામ કેમ લાવું? તારી દ્વારકામાં કેમ કરી આવું? જમનાની સાટું તું દરિયો આપે છે પણ દરિયામાં પૂર કેમ આવશે? તારી મરજાદી ગોમતીના બાંધેલા ઘાટમાં કેમ કરી વનરાવન વાવું? તારી દ્વારકામાં કેમ કરી આવું? વાંસળિયું સાટું તું સોનાની શરણાયું દેવાની દે છે ડંફાસ શરણાયું કેમ કરી ભીતરમાં વાગશે જેમાં નહિ હોય તારા શ્વાસ? તારા મહેલુંના પાણામાં વનરાનાં ગાણાંને કહેને રે શ્યામ કેમ ગાવું? તારી દ્વારકામાં કેમ કરી આવું? ગોરસના ઘૂંટ તને કડવા લાગે છે અને આવે છે અમૃતમાં સ્વાદ ગાયુંની ઘંટડીયું ગોઠે ના શ્યામ તને ગમતા છે નોબતુંના નાદ ઓઢ્યું છે એક અમે ગોકુળનું ઓઢણું કેમ કરી દ્વારકાનું ધારું તારી દ્વારકામાં કેમ કરી આવું?

-ઈસુભાઈ આયદાન ગઢવી

[પાછળ]     [ટોચ]