[પાછળ]

પુષ્પિત ભાષા

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા; અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા માથે મોભ્ભાદાર પાઘડી, છટાદાર મુખ શાસ્ત્રવિલાસા. ઋષિ, દેવતા, છંદ સમેતા, ચારે વેદો જિહ્‌વા વાસા. ક્યા શાસ્ત્રનું ક્યું વિવેચન– વાદ ચડે તો પડે ન પાછા. આપ વદે ને આપ ન બૂઝે, બહુ ધૂમ્ર ને અલ્પ પ્રકાશા. મંત્ર ભણ્યો પણ મર્મ ન કળ્યો, માત્ર કંઠમાં મંત્રો ઠાસ્યા. ચિત્રવિચિત્ર ક્રિયા વિસ્તારી, ધર્મ નહિ એ ધર્મ તમાશા. યજ્ઞ કર્યા પણ સ્વાર્થ ન હોમ્યા, મનમાં ભોગૈશ્વર્ય ફલાશા. નિશ્ચય ટાણે ગડગડ ગબડે, અનંત સર્‌જે તર્કાકાશા. જ્ઞાનગંગમાં બહુ નાહ્યા, કોરા પંડિત રહ્યા શિલા શા. ગીતાનાં બહુ ગીતો ગાયાં, તોય હજુ ક્યાં હઠે નિરાશા!

-જુગતરામ દવે
[પાછળ]     [ટોચ]