કવિ! મૂર્ખતા અટકશે આવી તમારી કદા? (શાર્દુલવિક્રીડિત) કાં ભાળો કવિઓ! તમો મધુરતા કાં પ્રેક્ષતા રમ્યતા! કાં લાવણ્ય સમર્પતા? જગતમાં સૌન્દર્ય આરોપતા? જે જ્યાં ત્યાં ન બતાવતા નવ જહાં જે ત્યાં સદા પેખતા આકાશે જલ, વારિમાં રણ; રણે લીલોતરી વાવતા! કલ્પો પદ્મ વિશે રતિ ભ્રમરની ને પદ્મની સૂર્યમાં સાધો સ્નેહ શશાંકનો કુમુદમાં ને અબ્ધિનો ચંન્દ્રમાં સન્ધ્યામાં પરખો રતાશ તરતી મુગ્ધા મુખે ચુંબતાં કાળા વાદળ વૃન્દમાં ફરકતી વેણી છુટી વાયુમાં. રાત્રે ઝાકળ બિન્દુઓ ટપકતાં પૃથ્વી તલે ચારમાં તેમાં અશ્રુ વિલોકતા વિરહમાં પ્રેમીજનો ઢાળતાં; મોજામાં જલધિ તણા ઉછળતી હૈયા તણી ભાવના બાકી શું? મન ભાવતું પ્રકૃતિના તત્વો વિશે શોધતા. માતાના અતિ ઉચ્ચ, પ્રકૃતિ શિરે સંબોધનો ઢોળતા કલ્પી ‘મા’ કંઈ લાડ ચિત્રો કરતા, દર્શાવતા ઘેલછા; જો કે ‘મા’ નવ સાંભળે વચન એ ઘેલા કવિબાલના આશ્ચર્યોની પરંપરા! તદપિ એ ના ‘માત’ને ત્યાગતા! માનો શું ઉરમાં ખરેખર તમો જેવું મને કલ્પતા– તેવું? –શું નવ દંભ અન્તરતલે છુપી રીતે પોષતા; ભોળી માનવજાતને અણગણ્યા યુગો થકી દોરતા– અન્ધારે; કવિ! મૂર્ખતા અટકશે આવી તમારી કદા? (૨-૨-૧૯૩૨) -નલિન મણિશંકર ભટ્ટ
|